પૂરથી NHAI ને રૂ. 10 કરોડ, રાજ્ય સરકારના હાઈવેને રૂ. 25 કરોડ જેટલું નુકસાન:માંડવીયા

ગાંધીનગર, દેશગુજરાત

માર્ગ, વાહનવ્યવહાર અને હાઈવે મંત્રી મનસુખ માંડવીયાએ આજે ગુજરાતમાં પૂરથી નુકસાન પામેલા હાઈવેના સમારકામના કાર્યની સમીક્ષા કરી હતી.

તેમણે કહ્યું હતું કે નવ સૌથી વધુ નુકસાન પામેલા હાઈવે પર ઘણા સ્થળોએ સમારકામ ચાલી રહ્યું છે અને તેમાંથી લગભગ અડધા ડઝન જેટલા હાઈવે પર કાર્ય પૂર્ણ થઇ ચૂક્યું છે અને ટ્રાફિકને સામાન્ય કરી દેવામાં આવ્યો છે જયારે બાકીના ત્રણ પર હજી કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જવાથી કામ થઇ શક્યું નથી અને બાકીના સ્થળોએ યુધ્ધના ધોરણે સમારકામ ચાલુ છે. NH 168, 168 A, 68 અને 27 પર ઘણા સ્થળોએ થયેલા નુકસાનનું સમારકામ થઇ ગયું છે અને 8 તથા 8 A તેમજ 68 પર હજીપણ સમારકામ બાકી છે. તેમણે જણાવ્યું હતું કે ઉપરોક્ત નેશનલ હાઈવે ઉપરાંત અન્ય હાઇવે પર પણ નુકસાન થયું છે જેનું સમારકામ યુધ્ધના ધોરણે થઇ રહ્યું છે.

માંડવીયાએ કહ્યું કે પ્રાથમિક અંદાજ અનુસાર નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા (NHAI) ને થયેલું નુકસાન રૂ. 10 કરોડ થવા જાય છે જ્યારે રાજ્ય સરકારના હાઈવેને રૂ. 25 કરોડ જેટલું નુકસાન થયું છે.

તેમણે કહ્યું હતું કે હાલના પૂર પરથી શીખવા મળ્યું છે કે આ વિસ્તારોમાં ભવિષ્યમાં એવી રીતે રસ્તાઓ બનાવવા જોઈએ કે જેનાથી તે સહેલાઈથી ધોવાઇ ન જાય.

આ બેઠકમાં કેન્દ્રીય માર્ગ વાહનવ્યવહાર અને હાઈવે વિભાગના ચીફ એન્જીનીયર આઈ કે પાંડે, ચીફ એન્જીનીયર (હાઈવેઝ) પી આર પટેલીયા, ગુજરાત રોડ અને હાઉસિંગના સેક્રેટરી એસ બી વસાવા અને વિભાગના ક્ષેત્રીય ઓફિસર  પૂર્ણા સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!