માર્ગ સલામતી’ જાગૃતિ અંગે ગુજરાતી કલાકારોને લઈને બનાવવામાં આવેલી 5 એડ ફિલ્મ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરી લોન્ચ

 અમદાવાદ : કેન્દ્રીય માર્ગ પરિવહન, રાજમાર્ગ અને શીપીંગ તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે માર્ગ અકસ્માતના આંકડા ચોકાવનારા છે. ગયા વર્ષે લગભગ દોઢ લાખ લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા. જેમાંના 72 % લોકો 18 થી 45 વર્ષના હતા. આ અમારા માટે સંવેદનાનો વિષય છે. કારણ કે આનાથી દોઢ લાખ પરિવારોને સીધી અસર પહોંચે છે અને આથી જ તેમનું મંત્રાલય માર્ગ સલામતી અંગે નક્કર પગલા લેવા માટે કટિબદ્ધ છે. કેન્દ્રીય મંત્રી આજે અમદાવાદ ખાતે ‘માર્ગ સલામતી’ અંગે બનાવાયેલી એડ ફિલ્મોના લોન્ચિંગ પ્રસંગે બોલી રહ્યા હતા.

 ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ‘માર્ગ સલામતી’ની ગંભીરતાને ધ્યાનમાં લઇ ગુજરાતના કલાકારોના સહયોગથી 5 એડ ફિલ્મો બનાવવામાં આવી છે. મનસુખ માંડવીયાએ આ ફિલ્મોનું લોન્ચિંગ કર્યું હતું અને સમાજ સેવાના ભાગરૂપે તેમાં વિનામૂલ્યે કામ કરવા બદલ કલાકારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જેનેરિક દવાઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે પણ આ કલાકારોને આગળ આવવા અનુરોધ કર્યો હતો.


આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે સરકારનાં પ્રયત્નોથી માર્ગ અકસ્માત મૃત્યુ ઘટ્યા છે પરંતુ હજુ પણ આ આંકડો ખુબ મોટો છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં અકસ્માતની સંખ્યા અડધી કરવા અમે જનજાગૃતિ અભિયાન ઉપાડ્યુ છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત માર્ગ સલામતી માટે કાર્ય કરતા સ્વૈચ્છિક સંગઠનોના પ્રતિનિધિઓ, સમાજસેવકો, રિક્ષા-બસ-ટેક્ષી-ટ્રક-ડ્રાઇવીંગ સ્કુલ એસોસીએશનના પ્રતિનિધિઓ, ગુજરાત સરકાર અને ભારત સરકારનાં પ્રતિનિધિઓને પણ મંત્રી મનસુખ માંડવિયાએ ‘માર્ગ સલામતી’ જાગૃતિને રોજીંદા જીવનનો ભાગ બનાવી આ અભિયાન સાથે જોડાવા આહવાન કર્યુ હતું.

error: Content is protected !!