ડેટા લીક મામલે ઝુકરબર્ગે માફી માગતા ભાજપે સાધ્યું કોંગ્રેસ પર નિશાન, કહ્યું- હવે રાહુલ માફી માગે

નવી દિલ્હી, દેશગુજરાત: ફેસબુક ડેટા લીક મામલે ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે યુએસ સેનેટ સામે માફી માગ્યા બાદ ભાજપે કોંગ્રેસ પર વળતા પ્રહાર કરવાનું શરુ કર્યું છે. કેન્દ્રીય સુચના તેમજ પ્રસારણ મંત્રી રવિ શંકર પ્રસાદે ટ્વીટ કરીને કહ્યું કે, હવે આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને માફી માગવી જોઈએ.

તેમણે ટ્વીટમાં લખ્યું કે, “હવે ચૂંટણીમાં હેરફેર કરવાને લઈને કેમ્બ્રિજ એનાલિટિકાની ભૂમિકા સ્પષ્ઠ થઇ ગઈ છે અને ફેસબુકે આ પ્રકારના દુરુપયોગ પર અકુંશ લાદવા માટે અને ભારતમાં યોજાનાર ચૂંટણીમાં પ્રમાણિકતા અને અખંડિતતા જાળવી રાખવાની ખાતરી આપી છે. ત્યારે આ મામલે નૈતિકતાના આધાર પર રાહુલ ગાંધીને માફી માગવી જોઈએ. આ સાથે જ રાહુલે મતદારોમાં ગુંચવણ ઉભી નહીં કરવા તેમજ સમાજમાં ભાગલા ન પાડવાનું વચન આપવું જોઈએ.”

ઉલ્લેખનીય છે કે, બ્રિટીશ માહિતી એનાલિટિક્સ કંપની ‘કેમ્બ્રિજ એનાલિટિકા’ પર 5 મિલિયન ફેસબુક યુઝર્સની  માહિતી ચોરીનો આરોપ છે. ‘કેમ્બ્રિજ એનાલિટિકા’ ના ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરવાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાની સામ-સામે આવી ગયા છે.

બંને પક્ષો એક બીજા પર ‘કેમ્બ્રિજ એનાલિટિકા’ની સેવા લેવાનો આરોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ઈરાકમાં માર્યા ગયેલા ભારતીયોના મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે ભાજપે ફેસબુક લીક મામલામાં કોંગ્રેસનું નામ ઉછાળ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો હતો કે, ફેસબુક ડેટા લીક મામલામાં આરોપી ‘કેમ્બ્રિજ એનાલિટિકા’ કંપની જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સમગ્ર સોશિયલ મીડિયાનું અભિયાન સંભાળે છે.

ડેટા લીક મામલે માર્ક ઝુકરબર્ગ દુનિયાભરના નિશાને છે. જેને લઈને મંગળવારે ઝુકરબર્ગે અમેરિકી સેનેટ સામે હાજર રહી ડેટા લીક અંગે માફી માગી હતી. તેઓએ કહ્યું કે, “આ મારી ભૂલ છે અને હું તેના માટે માફી માગું છું. મેં ફેસબુક શરુ કર્યું, હું તેને ચલાવું છું અને તેમાં જે કંઈ પણ થાય તેના માટે હું જવાબદાર છું.” વધુમાં ઝુકરબર્ગે ભારતમાં યોજાનારી આગામી ચૂંટણીમાં સંપૂર્ણપણે પ્રામાણિકતા દાખવવાની ખાતરી આપી હતી.

error: Content is protected !!