મુંબઇના અમેરિકાના કોન્સલ જનરલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલાકાત લીધી

રાજપીપલા :  મુંબઇ ખાતેના અમેરિકાના કોન્સલ જનરલ એડગાર્ડ કગાને કેવડીયા માં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી તથા વિશ્વની આ સહુથી ઉંચી પ્રતિમા, સહુથી ઉંચી સરદાર પ્રતિમાની વિરાટ રચના અને ભગીરથ નિર્માણ નિહાળીને આશ્ચર્ય મિશ્રિત આનંદની લાગણી વ્યકત કરી હતી. તેઓએ ૬૦ માળના મકાન જેટલી ઉંચી આ પ્રતિમાના હદય સ્થળે (લગભગ ૪૫ માળની ઉંચાઇએ) આવેલી વ્યુંઇંગ ગેલેરીમાંથી સાતપૂડા અને વિધ્યાચલની પર્વતમાળા અને મા નર્મદાના પ્રવાહનું નિરીક્ષણ કર્યું હતું. તેમને સનાતન હિન્દુ ધર્મ પરંપરામાં પવિત્ર મા નર્મદાના મહાત્મય તેમજ સરદાર સરોવરના લાભોની જાણકારી આપવામાં આવી હતી. કોન્સલ જનરલએ એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતની આ મારી પાંચમી કે છઠ્ઠી મૂલાકાત છે. કેવડીયા વિસ્તારમાં હું પ્રથમવાર આવ્યો છું. ગુજરાતનો પ્રત્યેક પ્રવાસ મારા માટે આનંદદાયક બની રહયો છે. તેમણે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની વિરાટતા અને ઉમદા આશયથી હું ધણોજ પ્રભાવિત થયો છું. આ સ્થળની મુલાકાત ખરેખર ખૂબ ખૂબ આનંદદાયક અને રસપ્રદ છે.

એડગાર્ડે ટર્નર પ્રોજેકટ મેનેજમેન્ટ કોર્પોરેશનની કચેરીની સૌજન્ય મુલાકાત લીધી હતી જયાં જયરામ પંચ, સ્ટીવવો અને એડમન્ડ કીને તેમને આવકાર્યા હતા અને પ્રેઝન્ટેશન ધ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની અસાધારણ ઇજનેરી વિશેષતાઓની જાણકારી આપી હતી. તેમણે ટીપીએમસી ની નિર્માણ ગુણવત્તાની પ્રસંશા કરી હતી. કોન્સલ જનરલે નાંદોદ તાલુકાના માંગરોલ ગામે અભિનવ ગ્રામ વિકાસ પ્રવૃત્તિઓમા કાર્યરત સર્વાંગિણ ગ્રામ વિકાસ મંડળ પ્રયાસની મુલાકાત લીધી હતી. તેમણે પાટી પેન કે કકકા-બારાક્ષરી વગર ચિત્રો, ગીતો, વાર્તા, નાટક, રમત-ગમત પ્રવૃત્તિઓ ધ્વારા અનૌપચારીક તરીકાથી બાળ શિક્ષણ આપવાના પ્રયોગ ગુંજતું ધરની જાણકારી સંસ્થાના વડા શિલ્પીન મજમુંદાર ધ્વારા આપવામાં આવી હતી. આ સંસ્થા ધ્વારા ૪૫ ગામોમાં અર્ધશિક્ષિત ગ્રામિણ મહિલાઓ ધ્વારા બાળકોને અસરકારક અનૌપચારીક શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એડગાર્ડે સંસ્થાની ગ્રામ વિકાસ અને શિક્ષણના વ્યાપ માટેની નિષ્ઠાને બિરદાવી હતી. સરદાર સરોવર નર્મદા નિગમ ધ્વારા વારલી પેન્ટીંગના વર્તુળમાં સ્થાપિત સરદાર પ્રતિમાની સ્મૃતિ ભેટ ધ્વારા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!