નેચરલ ગેસ ઉપર ભરેલ ૧૫ % વેટ ઉપર 9 % રીફંડ મળશે: ગુજરાત સરકાર

ગાંધીનગર, દેશગુજરાત: સમગ્ર દેશમાં અને રાજ્યોમાં તા.૦૧.૦૭.૨૦૧૭ થી ગુડ્સ અને સર્વિસ ટેક્ષ (જીએસટી)નો અમલ શરૂ થઇ ગયો છે. ત્યારે નેચરલ ગેસ એ રાજ્યના અધિકારવાળા વેટ અંતર્ગત આવ્યો છે અને અત્યાર સુધી નેચરલ ગેસ ઉપર ૧૫ % ના દરે ટેક્ષ લાગતો હતો અને તેમાંથી ૧૧ % ઇનપુટ ટેક્ષ ક્રેડીટ તરીકે રીફંડ મળતું હતું પરંતુ હવે જી.એસ.ટી. ના આવવાથી આ ઇનપુટ ટેક્ષ ક્રેડીટ મળવાપાત્ર રહેતી નથી, જેના કારણે રાજ્યમાં નેચરલ ગેસનો ઉપયોગ કરી જે ઉદ્યોગો ચાલે છે તેના ખર્ચમાં ઘણો મોટો વધારો થતો હતો તેમની ઉત્પાદનની કિંમતમાં પણ વધારો થતો હતો. જેથી રાજ્યના ઉદ્યોગોને અન્ય રાજ્યના ઉદ્યોગો સાથે હરીફાઇ કરવી પડતી હતી, તેથી ગુજરાતમાં ગેસ વાપરતાં ઉદ્યોગ એસોસીએશનો, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ગેસના વિવિધ ઉદ્યોગકારો દ્વારા નાણામંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજુઆત  કરવામાં આવી હતી, તેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ગેસ વાપરતાં ઉદ્યોગોના હિતમાં નેચરલ ગેસ ઉપર ૧૫ % ના દરે ભરવામાં આવેલ વેટ પૈકી ૯ % વેટ રીફંડ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય  કર્યો છે.

હાલમાં ખાતર અને વીજળીના ઉત્પાદનમાં વેટની ટેક્ષ ક્રેડીટ મળવાપાત્ર થતી નથી. આથી આ રાહત આ બે ઉદ્યોગોને મળવાપાત્ર થશે નહીં. ટેક્ષ ક્રેડીટની તથા રીફંડની વેટ હેઠળની અન્ય શરતો યથાવત રહેશે. હાલમાં પેટ્રોલ-ડીઝલ, નેચરલ ગેસ, ક્રુડ, એવીએશન ટર્બાઇન ફ્યુઅલ અને માનવ વપરાશ માટેના આલ્કોહોલીક લીકરને ગુડ્સ અને સર્વિસ ટેક્ષની બહાર રાખવામાં આવ્યાં છે. જેના ઉપર વેટ (મૂલ્યવર્ધિત વેરો) લાગુ પડે છે, અને તેના પર લાગુ પડતાં દરે વેટ ભરવાનો રહેશે.

નીતિન પટેલે ઉમેર્યુ કે, વેટ અને જી.એસ.ટી. બંનેનો અમલ સાથે-સાથે થવાથી કેટલીક ચીજ-વસ્તુઓમાં એવી પરિસ્થિતિ ઉદભવી છે કે, વેટ કર પ્રણાલી હેઠળ જે ચીજ-વસ્તુઓની ખરીદી કરીને તેના ઉપર વેટ અન્વયે વેરો ભરેલ હોય અને જો આવી ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરીને કે પ્રોસેસ કરીને ઉત્પાદિત થયેલ ચીજ-વસ્તુઓ ગુડ્સ અને સર્વિસ ટેક્ષમાં આવરી લેવામાં આવી હોય તો આવી ઉત્પાદિત ચીજ-વસ્તુઓ ઉપર વેચાણ અને સપ્લાય બાજુએ જી.એસ.ટી. લાગુ પડશે, અને ખરીદી બાજુએ વેટ લાગુ પડશે. આથી વેટ હેઠળ ભરેલ વેરાની ટેક્ષ ક્રેડીટ જી.એસ.ટી. હેઠળ મળવાપાત્ર થશે નહીં. આમ થવાથી આવી ચીજ-વસ્તુઓમાં ટેક્ષ ક્રેડીટ ન મળવાના કારણે તેટલા અંશે તેના ઉપરનો વેરાકીય ભારણ વધ્યું છે.

જે ચીજ-વસ્તુઓ જી.એસ.ટી. ની બહાર રાખવામાં આવેલ છે, તે પૈકી નેચરલ ગેસનો બળતણ તરીકે ઔદ્યોગિક ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. નેચરલ ગેસ ઉપર હાલ ૧૫ % ના દરે વેટ લાગુ પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નેચરલ ગેસનો બળતણ તરીકે ઉપયોગ કરતાં રાજ્યના ઉદ્યોગો ઉપર વેરાકીય ભારણ વધે નહીં અને તેમની સ્પર્ધાત્મકતા જળવાઇ રહે તે હેતુથી નેચરલ ગેસ ઉપર ૧૫ % ના દરે ભરવામાં આવેલ વેટ પૈકી ૯  % વેટ રીફંડ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ રીફંડ આપવાની વિગતવાર વ્યવસ્થા ગોઠવીને ટુંક સમયમાં તેનું અમલીકરણ કરવામાં આવશે.

error: Content is protected !!