ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારથી 2 દિવસ સુધી ગુજરાતની મુલાકાતે

ગાંધીનગર: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારથી બે દિવસ માટે ગુજરાત પ્રવાસ પર છે. જે દરમિયાન તેઓ ભાજપની ગુજરાત ગૌરવ યાત્રમાં જોડાશે. પ્રથમ દિવસે તારીખ ૧૩ ઓક્ટોબરે તેઓ સવારે ગુજરાત આવશે, ત્યારબાદ પારડી, અતુલ, વલસાડ, ચીખલી, ગણદેવી, અમલસાડ, અબ્રામા, એરૂ, કબીલપોર, મરોલી અને સચીન ખાતે યાત્રામાં જોડાશે અને જાહેરસભાઓને સંબોધશે, રાત્રે સુરત ખાતે ઉત્તર ભારત ઉદ્યોગ પરિસંઘના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે તથા બીજા દિવસે તારીખ ૧૪ ઓક્ટોબરે કચ્છ જીલ્લામાં ગૌરવ યાત્રામાં હાજરી આપશે.

શુક્રવારે તારીખ ૧૩, ઓક્ટોબરે ગુજરાત ભાજપ દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ યાત્રા, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના નેતૃત્વમાં દક્ષિણ ઝોનના વલસાડ, નવસારી અને સુરત જીલ્લામાં તથા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના નેતૃત્વમાં ઉત્તર ઝોનના કચ્છ જીલ્લામાં ફરશે.

વાઘાણીના નેતૃત્વમાં દક્ષિણ ઝોનના વલસાડ, નવસારી અને સુરત જીલ્લામાં ૬ વિધાનસભા ક્ષેત્રોમાં ૧૩૬ કિલોમીટરનો પ્રવાસ કરશે તેમજ વલસાડ, ચીખલી, એરૂ, કબીલપોર અને સચીન ખાતે જાહેરસભા યોજાશે. ગણદેવી અને અબ્રામા ખાતે સ્વાગતસભા તથા ગૌરવ યાત્રાનું ૪ સ્થાનો પર પ્રજાજનો દ્વારા સ્વાગત થશે.  નીતીનભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત ગૌરવ યાત્રા ઉત્તર ગુજરાત ઝોનમાં કચ્છ જીલ્લામાં ૪ વિધાનસભા ક્ષેત્રોમાં ૧૪૭ કિલોમીટરનો પ્રવાસ કરશે, તેમજ રાપર, સામખીયાણી, વોંધ, ગાંધીધામ, અંજાર અને ભૂજ ખાતે જાહેરસભા યોજાશે તથા ગૌરવ યાત્રાનું ૬ સ્થાનો પર પ્રજાજનો દ્વારા સ્વાગત થશે.

Related Stories

error: Content is protected !!