વડનગરને મળશે બ્રોડગેજ રેલ્વે

ગાંધીનગર, દેશગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં બ્રોડગેજ રેલ્વે લાઈન આવશે. વડનગર હાલ મીટરગેજ લાઈન સાથે જોડાયેલું છે. રેલ્વે, ગુજરાત પ્રવાસન અને રાજ્ય સરકાર સાથે મળીને વડનગર સ્ટેશનનું પુનર્નિર્માણ અને મહેસાણા-તારંગા હિલ મીટર-ગેજ લાઇનના રૂપાંતરણનું કાર્ય હાથ ધરશે. આ ગેજ લાઈન વડનગરથી પસાર થાય છે.

રેલવે બોર્ડના અધ્યક્ષ અશ્વિની લોહાની સાથેની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. લોહાની અને રેલ્વેના જનરલ મેનેજર અનિલકુમાર ગુપ્તા  અમદાવાદમાં ભારતીય રેલ્વેના ચાલુ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા અને બુલેટ ટ્રેનના ખાતમુર્હુત સમારંભની વ્યવસ્થા માટે આવ્યા છે.

પત્રકારો સાથે વાતચીત કરતાં ગુપ્તાએ કહ્યું કે, માર્ચ 2019 સુધીમાં વડનગર બ્રોડ ગેજ કન્વર્ઝન પૂર્ણ થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ચેરમેનના ચીફ સેક્રેટરી સાથે બેઠક યોજી હતી અને પાટણ-ભિલ્ડી વિભાગ પર પાટણ ખાતે રાણીની વાવ સાથે આ લાઈનને જોડાવા માટે જમીનની માંગણી કરી હતી.

ગુજરાતના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહે જરૂરી જમીનની ફાળવણી અંગે રેલ્વેને ખાતરી આપી છે.

તાજેતરમાં ટ્રેનની દુર્ઘટનાઓ વિશે પૂછવામાં આવતા લોહાનીએ કહ્યું હતું કે, તાજેતરની રેલ દુર્ઘટના વિષે હું કોઈ ટીપ્પણી કરી શકું નહીં. કારણ કે, હજુ તપાસ ચાલી રહી છે. પરંતુ સલામતી એ રેલ્વેની મુખ્ય અગ્રતા રહી છે.

સલામતી વિશે લોહાનીએ કહ્યું હતું કે, “પેસેન્જર સલામતીની ખાતરી માટે તમામ પગલાં લેવામાં આવે છે. જો અન્ય વર્ષોમાં થયેલી રેલ્વે દુર્ઘટનાની સરખામણી કરવામાં આવે તો વર્ષ 2017-18માં રેલ્વે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ સાથે જ સુરક્ષાને લઈને અમે મોટાપાયે ફેરફાર કરવા માટે કામ કરી રહ્યા છે.

error: Content is protected !!