વડોદરામાં બ્યુટીફીકેશન બાદના તળાવનું, વલસાડમાં 100 બિસ્તરની મ્યુનિ. હોસ્પિટલનું લોકાર્પણ

વડોદરા-વલસાડ, દેશગુજરાત: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આજે વડોદરા અને વલસાડમાં જનતાના લાભાર્થે કરવામાં આવેલા વિવિધ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂ. 3.80 કરોડના ખર્ચે ગોરવા વિસ્તારમાં આવેલા કૃષ્ણ સાગર તળાવના બ્યુટીફીકેશન, તથા રૂ. 1.32 કરોડના ખર્ચે નવનિર્મિત શાક માર્કેટનું નીતિનભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાને એકવીસ જેટલા તળાવોના સુધારણા કાર્યને હાથમાં લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તો વલસાડમાં શ્રી નીતિનભાઈ પટેલે રૂ. 304 લાખના ખર્ચે લોકભાગીદારીથી તૈયાર થયેલી અદ્યતન વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ હોસ્પિટલમાં કુલ 100 બેડ્સ છે. આ પ્રસંગે મ્યુનિસિપલ હોસ્પિટલ માટે રૂપિયા એક કરોડનું દાન આપનાર શ્રી મહેન્દ્રસિંહ લોઢા પરિવારનું પણ શ્રી નીતિનભાઈ પટેલે શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.

આ ઉપરાંત શ્રી પટેલે અમૃતમ યોજના હેઠળ કરાયેલા સાયકલ ટ્રેક તેમજ ફૂટપાથ ડેવલોપમેન્ટના કાર્ય ઉપરાંત અન્ય રૂપિયા ચાલીસ કરોડના કાર્યોનું પણ તખ્તીના અનાવરણ દ્વારા ખાતમુહૂર્ત કર્યું હતું.

 

error: Content is protected !!