રાહુલના નિવેદન ‘મેરા કામ પુરા હો ગયા હે’ સામે વાઘાણીનો સવાલ – કયા કામ માટે આવ્યા હતા ?, કયું કામ પુરુ થઇ ગયું ?

ગાંધીનગરઃ પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીએ ગઇકાલની કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગાડી પર પથ્થર મારવાની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે ગઇ કાલે જ તાત્કાલિક ધોરણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ સમગ્ર ઘટનાની ઉચ્ચ અધિકારીશ્રીને ન્યાયિક તપાસના આદેશ તુરંત જ આપી દીધા હતા.

વાઘાણીએ કોંગ્રેસના નેતાઓ દ્વારા ભાજપાના વિવિધ જીલ્લા કાર્યાલયો પર કરાયેલ પથ્થરમારા અંગે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યુ હતુ કે, આવી રીતે હિંસાત્મક પ્રદર્શન દ્વારા કોંગ્રેસ કેવી લોકશાહીનું જતન કરી રહી છે? એક બાજુ ગાંધીના ગુજરાતની વાત કરે છે ત્યારે આવા હિંસાત્મક પ્રદર્શનો કેટલા અંશે યોગ્ય છે?

વાઘાણીએ ગઇકાલની રાહુલ ગાંધીની મુલાકાત સંદર્ભે તેમજ તેમના દ્વારા કરાયેલ નિવેદનો અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે અતિવૃષ્ટિના કારણે મૃતકો માટે સંવેદના પણ વ્યક્ત ન કરી અને શ્રધ્ધાંજલી પણ ન આપી તે સંવેદનાવિહિન કોંગ્રેસનું ચરિત્ર બતાવે છે.

વાઘાણીએ રાહુલ ગાંધીના નિવેદન ‘મેરા કામ પુરા હો ગયા હે’ સામે સીધો પ્રશ્ન પુછતાં જણાવ્યુ હતુ કે, અમને સમજાતું નથી કે રાહુલ ગાંધી કયા કામ માટે ગુજરાત આવ્યા હતા ?, તેમનું કયું કામ પુરુ થઇ ગયું હતુ ?

વાઘાણીએ પ્રત્યાઘાત આપતાં જણાવ્યુ હતુ કે, જો રાહુલ ગાંધીએ અસરગ્રસ્તોને માત્ર એટલુ પુછ્યું હોત કે અત્યારની પરિસ્થિતિમાં શું ખુટી રહ્યુ છે ? કેવી સહાયની જરૂર છે ? ક્યાં કેટલું નુકશાન છે ? તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિસ્તારમાં શું સેવા-સહાય ચાલી રહી છે ? માત્ર તેનું નિરિક્ષણ કર્યુ હોત તો સારૂ હતુ. કોંગ્રેસ ક્યાંય સેવાના કાર્યમાં દેખાઇ ન હતી માટે સેવાના કામની વાત પણ કરી શકતી નથી, તેમ વાઘાણીએ જણાવ્યુ હતુ.

વાઘાણીએ કોંગ્રેસના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યુ હતુ કે, આવી કુદરતી આપત્તિની સ્થિતિમાં કોંગ્રેસે તેમના પોતાના ધારાસભ્યોને સતત ૮ દિવસથી બેંગલુરુમાં બંધક બનાવી રાખ્યા છે. આ ધારાસભ્યોને ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત સમયે રાહુલ ગાંધી સાથે લઇ આવ્યા હોત તો પણ અસરગ્રસ્ત વિસ્તારની પ્રજાના રોષનો ભોગ ના બનવું પડત. કોંગ્રેસ માત્રને માત્ર લોકોનું ધ્યાન બીજી તરફ ખેંચવા માટે આક્ષેપો કરી રહી છે. ગુજરાતની જનતા રાજ્ય સરકારની રાહત કામગીરી અને રાહત પેકેજથી સંતુષ્ઠ છે. કોંગ્રેસના નેતાઓ માત્ર ટુરિસ્ટની જેમ ફરી રહ્યા છે જ્યારે ભાજપાના કાર્યકર્તાઓ સતત લોકોની વચ્ચે મેડીકલ સહાય, રાહત સામગ્રી પહોંચાડી રહ્યા છે અને અસરગ્રસ્ત લોકોનું જીવત પૂર્વવત્ ન થાય ત્યાં સુધી ખડેપગે સેવા કરવા કટિબધ્ધ છે.

કોંગ્રેસના નેતૃત્વને કોંગ્રેસના ધારાસભ્યોથી ભય છે. ગુજરાતમાં શાંતિ-સલામતીનું વાતાવરણ છે તે આખી દુનિયા જાણે છે. ભાજપાના શાસનમાં ગુજરાતમાં વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. ત્યારે, કોંગ્રેસના નેતાઓ રાજકીય મેલી રમત રમી, ખોટા આક્ષેપો કરી ગુજરાતની શાંતિને ડહોળવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યા છે તે ખુબજ દુઃખદ્‌ છે. અને સમગ્ર દેશમાં ગુજરાત કોંગ્રેસના તેમજ રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ ગુજરાતને યેનકેન પ્રકારેણ બદનામ કરવાનું જે હિન કૃત્ય કરી રહ્યા છે તેને ગુજરાત તેમજ દેશની જનતા ક્યારેય માફ નહિ કરે. આવી સંવેદનાવિહિન કોંગ્રેસને દેશની જનતા ઓળખી ગઇ છે.

કોંગ્રેસ તુટી ગઇ છે, ક્યાંય કોઇ જનાધાર રહ્યો નથી, કોંગ્રેસના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. રાહુલ ગાંધીને બચાવવામાં દેશની કોંગ્રેસ તેમજ અત્યારે અહેમદભાઇને બચાવવામાં ગુજરાતની કોંગ્રેસ ડુબી ગઇ છે તેમ શ્રી વાઘાણીએ અંતમાં જણાવ્યુ હતુ.

error: Content is protected !!