હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં કન્યા અને સુવાસિની વંદનનો કાર્યક્રમ યોજાયો

અમદાવાદ: ભારતીય મૂલ્યોના પુનઃ સ્થાપન માટે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં આયોજિત ચાર દિવસના હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાના ઉપક્રમે બીજા દિવસે કન્યા વંદન અને સુવાસિની વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદની 29 શાળાના 2500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાના નરસિંહ મહેતા નગરમાં અવધપુરી સંકુલ ખાતે ડીસા સ્થિત રામપુરા મઠના સાધ્વી નિર્મલાપૂરી મહંત, સુરતના પિયુષભાઈ ડાલીયા, જીવદયા ટ્રસ્ટના પ્રમુખ  ગીરાબેન શાહની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન થયું હતું.

આ કાર્યક્રમનું સંચાલન કરતાં ઘનશ્યામભાઈ પટેલે કહ્યું હતું કે, ‘આ કાર્યક્રમમાં અમદાવાદની સરખેજની જવાહર પ્રાથમિક શાળા, ઘાટલોડિયાની ત્રીપદા વિદ્યાલ, સુમતી વિદ્યાલય, સર્વોદય વિદ્યાલય, જીવરાજ પાર્કની ઓમકારેશ્વર વિદ્યાલય, મણીનગરની રામકૃષ્ણ વિદ્યાલય, સરસ્વતી વિદ્યાલય, શ્યામલ ચાર રસ્તાની મેઘદીપ વિદ્યાલય તેમજ જિલ્લા પચંયાતની સરકારી શાળાઓ સહિત કુલ 30 શાળાઓના 1200 વિદ્યાર્થીઓએ 1300 વિદ્યાર્થિનીઓનું બહુમાન કર્યું હતું. કન્યા વંદનની સાથે વિવિધ ક્ષેત્રોમાં સામાજિક યોગદાન આપી રહેલાં સુવાસિની બહેનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.’

ડીસા સ્થિત રામપુરા મઠના સાધ્વી નિર્મલાપૂરી મહંતે કન્યાઓના વંદન દ્વારા સમાજમાં મહિલાઓના સન્માન અંગે જાગૃતિ ફેલાવવા બદલ હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ‘નારી જાતિ કે લિયે વરદાન હૈ હિન્દુ આધ્યાત્મિક સંસ્થા કે લિયે બસ યહી પહેચાન હે.’ સમાજમાં હિન્દુ સંસ્કૃતિના પુનરુત્થા માટેના આ સેવા મેળા અંગે તેમણે ઉમેર્યું હતું કે, ‘ભારત માતાને આપણે મા કહીને બોલાવીએ છીએ. હિન્દુ આધ્યાત્મિક સંસ્થાએ આ કાર્યક્રમ મારફત પૂરવાર કર્યું છે કે કન્યા એ દેવી છે, કન્યા એટલે સ્ત્રી અને સ્ત્રી એટલે પુરુષ અને ભવિષ્યને ઘડનારી ગુરુ છે. તે સંતાનોમાં ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન કરનારી ભાવી માતા છે. આ માતા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો અંગે જાગૃત હશે તો જ તેઓ ભાવિ ઘડતર કરી શકશે. તેથી આ હેતુ પૂરો કરવા કન્યા વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આધુનિક શિક્ષણ પદ્ધતિ શિક્ષણ તો આપે છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અપાવતી નથી. આથી, દેશવાસીઓમાં સંસ્કૃતિનું સિંચન કરવા માટે જ આ પ્રકારના મેળાઓનું આયોજન જરૂરી બન્યું છે.’

જીવદયા ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતિ ગીરાબહેન શાહે જણાવ્યું હતું કે, ‘હિન્દુ પુરાણો અને સંસ્કૃતિમાં નારીને પુરુષો કરતાં પણ ઊંચા સ્થાને બેસાડવામાં આવી છે. સ્ત્રીને શક્તિનું સ્વરૂપ ગણાવાઈ છે. પુરાણોમાં કહેવાયું છે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવોનો વાસ થાય છે. રાજા હર્ષવર્ધનના સમયમાં ભારત આવેલા ચીની મુસાફર હ્યુ-એન- ત્સાંગે લખ્યું છે કે તે સમયે ભારતમાં સ્ત્રીઓનું સ્થાન ખૂબ જ ઊંચું હતું. તેમને ખૂબ જ માન અપાતું અને લાજ કાઢવી, મહિલાઓને ઘરની ચાર દિવાલોમાં ગોંધી રાખવા જેવી સ્થિતિ તે સમયે નહોતી. પરંતુ ભારતમાં વિદેશી આક્રમણો અને અંગ્રેજોના શાસન સમયની સૌથી વધુ ખરાબ અસર સ્ત્રીઓ પર પડી. તેમના શીલ અને સન્માનની જાળવણી માટે તેમના પર પ્રતિબંધો મુકાવાના શરૂ થયા, તેમના પર નીતિ નિયમો લાદવાનું શરૂ થયું. જોકે, હવે સમય બદલાઈ રહ્યો છે. દેશ સ્વતંત્ર થયા બાદ સ્ત્રીઓની સામાજિક સ્થિતિમાં ધીમે ધીમે ક્રમશઃ સુધારો થઈ રહ્યો છે. મહિલાઓ હવે અનેક ક્ષેત્રોમાં આગળ આવી રહી છે અને દેશનું નામ રોશન કરી રહી છે.’

આમંત્રિત મહેમાનોના સંબોધન બાદ કન્યા વંદનની વિધિ શરૂ થઈ હતી. આમંત્રિત મહેમાનોએ મંચ પર 15 કન્યાઓના પગ ધોયા, ત્યાર બાદ તેમને ખેસ પહેરાવ્યો અને છેલ્લે રક્ષાકવચ બાંધી તેમની રક્ષા કરવાનું વચન આપ્યું. આ વિધિને અનુસરતાં કાર્યક્રમમાં હાજર અમદાવાદની 29 સ્કૂલોના 1200થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થિનીઓનું સન્માન કર્યું હતું. અંતે હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના છ મૂલ્યો – વન અને વન્ય જીવોનું રક્ષણ, જીવ સૃષ્ટિનું સંતુલન, પર્યાવરણ સંરક્ષણ, પારિવારિક અને માનવીય મૂલ્યોનું સંવર્ધન, મહિલાઓ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રભક્તિ જાગરણ અંગે વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવી કાર્યક્રમનું સમાપન થયું હતું.

error: Content is protected !!