જસદણ વિધાસનભાની પેટા ચૂંટણી માટે ભાજપા આગેવાનોને સોંપાઇ વિવિધ જવાબદારીઓ

જસદણ : પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુ વાઘાણીએ ઇલેક્ટ્રોનિક મીડિયાને માહિતી આપતા કહ્યું ં હતું કે, અગામી લોકસભાની ચૂંટણીઓની વ્યવસ્થાની તૈયારીઓ માટે ૩૦૦ કરતા પણ વધુ વિસ્તારકો લોકસભા વિસ્તારોમાં જશે. લોકસભા ચૂંટણીઓ માટે ૩૦૦ કરતા પણ વધુ વિસ્તારકોને જવાબદારી સોંપવામાં આવી છે તેના આયોજનની જવાબદારી પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ સંભાળશે. આ વિસ્તારકોના માર્ગદર્શન આપવા માટે આજરોજ ‘‘ કમલમ્’’ ખાતે બેઠક રાખવામાં આવી હતી. લોકસભા વિસ્તારમાં બુથ લેવલ સુધી ચૂંટણી તંત્રની ગોઠવણી માટે અને મતદારોના સંપર્ક માટે આ વિસ્તારકો દિવાળી પછી લોકસભા ચૂંટણી સુધી આ વિસ્તારોમાં કાર્યરત રહેશે.

વાઘાણીએ વધુમાં કહ્યું હતુ કે, કુંવરજી બાવળીયાએ ભાજપામાં જોડાતા પહેલા ધારાસભ્ય તરીકે રાજીનામુ આપ્યુ હતુ તેથી જસદણની વિધાનસભા સીટ ખાલી થયેલ છે. જેની પેટાચૂંટણી આગામી દિવસોમાં યોજનાર છે ત્યારે આ પેટાચૂંટણી જીતવા માટે ભાજપા તરફથી માઇક્રોપ્લાનીંગ ગોઠવવામાં આવેલ છે. રાજકોટના સાંસદ મોહનદાસ કુંડારીયા તેમજ કોળી સમાજના આગેવાન અને પૂર્વ સંસદીય સચીવ હીરા સોલંકીને આ બેઠક જીતવા માટેના આયોજનની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત જયંતિ કવાડીયા, કીરીટસિંહ રાણા, બાબુ જેબલીયા, ગોવિંદ પટેલ, આર.સી.મકવાણા, નીતિન ભારદ્વાજ, રમેશ મુંગરા, અમોહ શાહ, જયંતિ ઢોલ, ભરત બોઘરા, પ્રકાશ સોની ઉપરાંત રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી સૌરભ પટેલ અને જયેશ રાદડીયા વિશેષ જવાબદારી સંભાળનાર છે. આ ઉપરાંત વિસ્તારના પ્રભારી અને ઇન્ચાર્જ-સહઇન્ચાર્જ ઉપરાંત જીલ્લા ભાજપાના પ્રમુખ અને તેના પદાધિકારીઓ આ પેટાચૂંટણી જીતવા માટે આયોજનમાં જોડાશે. આ પેટાચૂંટણીમાં બૂથ લેવલ સુધીની તેમજ જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની સીટદીઠ જવાબદારી આ મહત્વના આગેવાનો સંભાળવાના છે અને તેઓ દ્વારા મતદારોનો સંપર્ક કરવામાં આવશે અને જસદણની આ પેટાચૂંટણીમાં જ્વલંત વિજય અપાવશે.

વાઘાણીએ કહ્યું હતુ કે, સૌરાષ્ટ્રની ચાર લોકસભા વિસ્તારની એક બેઠક આજે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી, સંગઠન મહામંત્રી, આગેવાનો, પ્રભારી, ઇન્ચાર્જ-સહઇન્ચાર્જ, જીલ્લા પ્રમુખ સહિત આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.

વાઘાણીએ કહ્યું હતુ કે, ભાજપાએ ગુજરાતમાં યોજાયેલ તાલુકા જીલ્લા પંચાયતોની પેટાચૂંટણીઓ નગરપાલિકાઓની સીટોની પેટા ચૂંટણીઓમાં કેટલીયે જગ્યાઓએ કોંગ્રેસ પાસેથી બેઠકો આંચકી લઇને ભાજપાનો ભવ્ય વિજય થયો છે. વર્ગ, જાતિ તેમજ જુદાજુદા સામાજીક વિભાગોની લાગણીઓને ઉશ્કેરીને કોંગ્રેસે ચૂંટણીઓ જીતવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમા કોંગ્રેસની ભારે પીછેહઠ થઇ છે.

વાઘાણીએ માહિતી આપતા કહ્યું હતુ કે, દિવાળી અને નવા વર્ષ નિમિત્તે તારીખ ૧૧ નવેમ્બરથી ૧૯ નવેમ્બર દરમ્યાન ૩૩ જીલ્લાઓમાં અને ૮ મહાનગરપાલિકા વિસ્તારોમાં સ્નેહ સંમેલનો યોજવામાં આવશે અને તે દ્વારા બૂથલેવલ સુધી સંપર્ક વધારવામાં આવશે તેમજ  શુભેચ્છાઓની આપ-લે કરવામાં આવશે. લોકસંપર્ક વધારવામાં આવશે. આ આયોજન અંગેની જવાબદારી પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા સંભાળશે.

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિ તેમજ ભાજપા પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ડૉ. જ્યોતિબેન પંડ્યાની હાજરીમાં ટી.વી શો ભાભીજીના નામે ઓળખાતા શ્રધ્ધાબેન ઝા આજે સભ્યપદ માટેના નિયત નંબર પર મીસકોલ કરીને ભાજપાના સભ્ય બન્યા હતા. ‘‘ભાભીજી’’ તરીકે ઓળખાતા શ્રધ્ધાબેન ઝાએ મહિલાઓની વચ્ચે જઇને ૫૦૦ કરતા પણ વધુ શો કર્યા છે.

error: Content is protected !!