ગુજરાત વિરોધી તત્વોને ગુજરાતની જનતા આગામી ચૂંટણીમાં વીણી વીણીને સાફ કરી નાખશે: રૂપાણી

ગાંધીનગર: પ્રદેશ ભાજપા દ્વારા આયોજીત ગુજરાત ગૌરવ યાત્રામાં સોમવારે ગાંધીનગર જીલ્લાના દહેગામમાં જનમેદનીને સંબોધતા
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતુ કે, ગુજરાત ગૌરવ એટલે મહાત્મા ગાંધીનું, સરદાર પટેલનું, નરસિંહ મહેતાનું, કવિ નર્મદનું,
શ્યામજી કૃષ્ણ વર્માનું તથા ગુજરાતની અસ્મિતાનું ગૌરવ છે.

નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં ગુજરાતની પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થયો છે. વિકાસ, ગુજરાત અને મોદી એ એકબીજાના પર્યાય
અને પુરક બન્યા છે. ગુજરાતના વિકાસ માટે, દેશના વિકાસ માટે નરેન્દ્રભાઇએ પોતાનું જીવન સમર્પિત કર્યું છે. ગુજરાતની જનતા વિકાસને વરેલી છે. ગુજરાત માટે વિકાસ એ મીજાજ છે. ગુજરાત વિરોધી તત્વોને ગુજરાતની જનતા આગામી ચૂંટણીમાં વીણી વીણીને સાફ કરી નાખશે. સર્વાંગી વિકાસથી કોંગ્રેસના મુળીયા સાફ થઇ ગયા છે. વિકાસથી ગુજરાતની રોનક બદલાઇ છે. ઘરે-ઘરે ગેસ, શૌચાલય, ખેડૂતોની આવકમાં વધારો, ટેકાના ભાવ, સિંચાઇની યોજનાઓ સહિત પ્રજાલક્ષી કામગીરી અમારી સરકારોએ કરી છે તેમ રૂપાણીએ કહ્યું હતું.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગુજરાત મોડેલ દેશના અન્ય રાજ્યો માટે રાહબર બન્યું છે તેવા અનેક ઉદાહરણો આપી ગુજરાતની
વિકાસગાથાને બિરદાવતાં કહ્યું હતુ કે, ભાજપાનું લક્ષ્ય સામાન્ય નાગરિકનું ભલુ કરવું તે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી, માળખાગત સુવિધા સહિત કૃષિક્ષેત્રમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે લીધેલા પગલાથી વિકાસના નવા શિખરો સર થયા છે. ઉન્નતિ માટેનું ઉદાહરણ ગુજરાત બન્યું છે. ગુજરાતના વિકાસના સાક્ષી અને સાથીદાર ગુજરાતની જનતાએ હંમેશા ભાજપા પર ભરોસો મુક્યો છે જે સતત ભાજપાના વિજયથી દેખાઇ આવે છે. ગૌરવ યાત્રામાં મહામંત્રી કે.સી.પટેલ, યાત્રા સંયોજક ગોધન ઝડફીયા, મંત્રી નિર્મલાબેન વાઘવાણી ઉપસ્થિત રહ્યા હતા.

Related Stories

error: Content is protected !!