હું ગુજરાતનો નાથ નહીં પણ દાસ છું: વિજય રૂપાણી

ગાંધીનગર: ભારત દેશની સંસ્કૃતિનું જતન કરવા માટે ભવ્ય મંદિરો બાંધવા જાઈએ. મંદિરોથી જ ધર્મની સાથે સુસંસ્કારનું સિંચન થાય છે.
મંદિરોએ પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં આજે આઠ યાત્રાધામોનો અવિરત વિકાસ થઈ રહ્યો છે એ ભાજપની સરકારને
આભારી છે. ભાજપની સરકાર આદર્શ સંસ્કારો અને સંસ્કૃતિને વરેલી છે. ત્યારે આ સરકારનો વિજયઅશ્વ અવિરત રીતે આગેકૂચ કરે અને
અડીખમ ગુજરાતના મોડેલને સર્વ દેશમાં પ્રસ્થાપિત કરે તેવી જ વર્તમાન સમયની માંગ છે જેને અમારું સંતોનું સમર્થન છે. તેમ શનિવારે
વડતાલમાં પૂર્વ ચેરમેન અને સત્સંગ મહાસભાના પ્રમુખ  નૌતમપ્રકાશદાસે કહ્યું હતું.

નૌતમસ્વામીએ વધુમાં કહ્યું હતું કે, હાલમાં ડાકોર, પાવાગઢ, અંબાજી, સોમનાથ વગેરે યાત્રાધામોનો અવિરત વિકાસ થઈ રહ્યો છે.
આ પ્રસંગે વડતાલ ગાદીના આચાર્ય પ.પૂ.રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને માણકી ઘોડીની પ્રતિકૃતિ મેળવીને ભાવવિભોર બનેલા મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું હતું કે, સત્તા એ સેવાનું સાધન છે. લોકો રાજકારણીને નખશિખ જુએ અને વર્તે છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, હું પ્રધાનમંત્રી નહીં પણ પ્રધાન સેવક છું તેમ હું પણ ગુજરાતનો નાથ નહીં પણ દાસ છું.

ગુજરાતના ખુણેખુણેથી પધારેલા ૧૭૦૦ જેટલા સંતોના આશીર્વાદ સાથે ધમધમી રહેલા યાત્રાધામ વડતાલના વખાણ કરતાં મુખ્યમંત્રીએ આ સદાચારીઓને વંદન કર્યા હતા. વધુમાં સ્વામિનારાયણ ભગવાનના સ્વહસ્તે નિર્મિત થયેલા મંદિરમાં આજના દર્શન
કરવાના પ્રસંગે સંસ્થાની જીવથી શિવ સુધીની સેવાઓ, બધામાં પરમાત્માના દર્શન તથા બધાના દુઃખે દુઃખી અને સુખે સુખી થવાની
ભાવનાને મૂર્તિમંત કરતાં સંતોના કાર્યોને વખાણ્યા હતા. ગુજરાતને રોગમુક્ત, વ્યસ્નમુક્ત બનાવવા માટે આ સંતોએ કરેલી સેવાઓને વખાણી હતી. સાથે સાથે મૂલ્યનિષ્ઠ ગુજરાતનું નિર્માણ અને સમાજજીવનમાં આદર્શ આચાર સંહિતા અમલી બનાવવા માટેના કાર્યને પણ બિરદાવ્યું હતું. વડાપ્રધાન મોદી દ્વારા આરંભાયેલા સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને ચરિતાર્થ કરવા માટે સંતોનો સહયોગ પણ તેઓએ
માંગ્યો હતો. હવે અડીખમ ગુજરાત અડીખમ જ રહે, અશાંત ન થાય. ભ્રષ્ટાચાર, આતંકવાદ અને ગરીબીથી ગુજરાત જાજનો દૂર રહે તે માટે આ તકે આવો આપણે સૌ ભગવાન સ્વામીનારાયણને પ્રાર્થના કરીએ. વડતાલમાં યશ અને કિર્તીના વાવટા ફરકતા રહે, સારા સમાજની સાથે સમાજજીવન ઉચ્ચતર બને તેવી પણ અપેક્ષા વ્યક્ત કરી હતી.

અંતમાં આભારવિધિ આસી.કોઠારી સંતસ્વામીએ કરી હતી. આ પ્રસંગે મંત્રી નાનુભાઈ વાનાણી, રોહિતભાઈ પટેલ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ, પૂ.દેવસ્વામી, પૂ.ધર્મપ્રિયદાસજી, પૂ.બાલકૃષ્ણદાસજી, પૂ.ભાનુપ્રકાશદાસજી, પૂ.સુખદેવસ્વામી, પૂ.ઘનશ્યામસ્વામી, પૂ.શ્યામવલ્લભ સ્વામી સહિત સંતો, હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
સાત દિવસથી ચાલતા આ કાર્તિકી સમૈયામાં ૧૦૦થી વધુ પદયાત્રી સંઘો, સુરત, મુંબઈ, વડોદરા, ભરુચ, વાકડ, કાનમ, કાઠીયાવાડ અને ચરોતરમાંથી પધાર્યા હતા. મુખ્ય વક્તા નિલકંઠચરણદાસજી સ્વામીનું સન્માનપત્ર તથા યજમાન જીવરાજભાઈ શામજીભાઈ ગાબાણી પરિવારનું શાલ અને સન્માનપત્ર સાથે ટ્રસ્ટી બોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!