ડેરાને દોષિત જાહેર કરતા ઠેરઠેર હિંસાના દ્રશ્યો, 28નાં મોત; હિંસાની વસૂલાત માટે રામ રહીમની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ

ચંડીગઢ, દેશગુજરાત: યૌન શોષણ મામલે આરોપી ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને 100 કારના કાફલા સાથે શુક્રવારે પંચકૂલા સીબીઆઈ કોર્ટ પહોંચાડવામાં આવ્યો હતો. જ્યાં સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે બાબાને દોષી જાહેર કરવાની સાથે 28 ઓગસ્ટે સજાની સુનાવણી કરવાનો ચુકાદો આપ્યો હતો. દોષી જાહેર થયા બાદ પોલીસે રામ રહીમની ધરપકડ કરી લીધી છે અને તેમને અંબાલા જેલમાં રાખવામાં આવશે.

રામ રહીમને દોષીત જાહેર કરવામાં આવતા તેમના સમર્થકો વિફર્યા છે. તંત્ર દ્વારા જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હોવા છતાં સમર્થકો દ્વારા પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં અનેક સ્થળોએ હિંસા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તોડફોડ, આગચંપી, પથ્થરમારા સહિતની ઘટનામાં હરિયાણા અને પંજાબમાં 28 લોકોનાં મોત નિપજ્યા છે. આ સાથે જ 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે.

હિંસાની વસૂલાત બાબા રામ રહીમની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ

સીબીઆઈ કોર્ટના ચુકાદા બાદ ડેરા સમર્થકોએ અનેક જગ્યાએ હિંસા કરી 100થી વધુ ગાડીઓ ફુંકી મારી છે. આ દરમિયાન પંજાબ-હરિયાણા હાઈકોર્ટે હિંસાની વસૂલાત માટે બાબા રામ રહીમની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે સંપત્તિ વેચીને નુકસાની ભરપાઈ કરવામાં આવે. હિંસક દેખાવો કરતા ડેરાના 1000 જેટલા અનુયાયીઓની અટકાયત કરવામાં આવી છે.

હરિયાણાની હિંસાની આગ દિલ્હીમાં પહોંચી

હરિયાણાની હિંસાની આગ દિલ્હીમાં પહોંચી છે. ડેરાના સમર્થકોએ રાજધાની દિલ્હીમાં પણ હોબાળો શરૂ કરવાની સાથે આનંદ વિહાર વિસ્તારમાં ખાલી ઊભેલી ટ્રેનના 2 ડબ્બામાં આગચંપી કરી હતી. અત્યાર સુધીમાં દિલ્હીમાં હિંસાની 7 ઘટના સામે આવી છે. ડેરા સમર્થકો દ્વારા DTCની 2 બસમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી છે. દિલ્હીના મંગોલપુરી, આનંદ વિહાર, ખ્યાલામાં પણ હિંસા ફેલાવવામાં આવી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હીની સરહદ સીલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને શાંતિ બનાવી રાખવા અપીલ કરી છે.

ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદના લોની ગોલ ચક્કરની પાસે બસને આગ લગાડવાની ઘટનાને પગલે તેમજ  હિંસક દેખાવોને ધ્યાને લઈ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સેક્શન 144 લાગુ કરવામાં આવી.

પંચકૂલામાં આર્મીની 6 ટીમ તૈનાત

પંચકૂલાના રહેણાંક વિસ્તારો તેમજ સેકટર 5માં ઓફિસોમાં ડેરા સમર્થકો ઘૂસી ગયાં છે. પંચકૂલા અને સિરસામાં ડેરા સમર્થકોએ હુમલાઓ કર્યા છે. આ હુમલામાં 10 લોકો ઈજાગ્રસ્ત થયાં છે જ્યારે 3 લોકોનાં મોત નિપજ્યા છે. પંજાબમાં 2 રેલવે સ્ટેશનમાં પણ આગ લગાડવામાં આવી, તો પંજાબના મોંગાના દગરૂ રેલવે સ્ટેશનમાં ડેરા સમર્થકોનો ભારે હંગામો મચાવ્યો હતો.  હિંસાને કાબૂમાં લેવા પંચકૂલા, ભઠિંડા અને ફિરોઝપુરમાં કર્ફયૂ લગાવવામાં આવ્યો છે. સિરસામાં 5 જગ્યાએ હિંસાના સમાચારને પગલે SWAT અને RAFની ટીમને સ્થિતિ પર કાબૂ મેળવવાનો હવાલો સોંપવામાં આવ્યો છે. પંચકૂલા અને માનસામાં ઇનકમ ટેક્સની ઓફિસ તેમજ મુક્તસરના પેટ્રોલ પંપ પર પણ આગચંપી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અંધાધુંધી ફેલાઈ ગઈ છે. પંજાબના બરનાલામાં ટેલીફોન એક્સચેન્જમાં તોડફોડ  કરવાની સાથે જ કેટલાક  સમર્થકો શિમલા હાઈવે પરથી પસાર થતા વાહનોમાં પણ પણ તોડફોડ કરી રહ્યા છે.

પરિસ્થિત કાબૂમાં છે

પંચકૂલામાં હવાઈ ફાયરિંગના અવાજ સંભળાઈ રહ્યા છે. પોલીસ વેનને સળગાવવાની સાથે ઘણી ગાડીઓ સળગાવી દેવામાં આવી છે. જોકે, સિરસાના એસપીએ કહ્યું, પરિસ્થિત કાબૂમાં છે. મામલાને તૂત આપવાની જરૂર નથી.

મીડિયા પર હુમલો

સીબીઆઈ કોર્ટની બહાર ઊભેલી 2 ન્યૂઝ ચેનલની વેન પર પણ સમર્થકોએ હુમલો કર્યો હતો. ડેરાને દોષિત જાહેર કરતાની સાથે જ કોર્ટ બહાર સમર્થકો દ્વારા કરવામાં આવેલા તોફાનમાં કેટલાંક પત્રકારો પણ ઈજાગ્રસ્ત થયાં છે. ફોટો જર્નાલિસ્ટ અને ટીવી કેમેરામેનના કેમેરાઓ સહિતના સાધનોની પણ તોડફોડ કરવામાં આવી છે.

ચુકાદો આવતાની સાથે 100થી વધુ જગ્યાએ હિસાની ઘટના

ચુકાદો આવ્યાને 45 મિનિટમાં જ પંજાબ અને હરિયાણામાં 100થી વધુ જગ્યાઓએ હિંસાઓ થઈ છે. હિંસા કરનારાઓ પર કાબૂ મેળવવા પોલીસ અને પેરમિલિટ્રી ફોર્સ દ્વારા ટીયર ગેસના શેલ  છોડવામાં આવ્યાં છે.

error: Content is protected !!