68મો રાજ્ય કક્ષાનો વન મહોત્સવ: સાબરકાંઠાના પાલ દઢવાવમાં વીરાજંલી વનનું લોકાર્પણ કરાશે

સાબરકાંઠા , દેશગુજરાત: ‘વન’ શબ્દ ફક્ત વૃક્ષાદિત વિસ્તાર જ નથી, પરંતુ વનની ઉપયોગિતા જોતા તેનો અર્થ ઘણો વિસ્તૃત છે. કૂદરતી રીતે સર્જિત વિસ્તાર કે જ્યાં માનવ હસ્તક્ષેપ ના હોય અથવા નહીવત હોય અને જ્યાં જળચર, થળચર અને નભચર, નાનાં-મોટા પ્રાણીઓ તેમજ વિવિધ પ્રકારની વનસ્પતિ ઘાસ, વેલા, છોડ, ક્ષુપ, વૃક્ષ વગેરે એક બીજા પર નિર્ભર સહ અસ્તિત્વ ધરાવે તેને પરિસરીય દ્રષ્ટીએ “વન” કહેવાય છે.

આવા વનોની જતન-સંવર્ધન અને સુરક્ષાને ગુજરાત સરકારે અગ્રીમતા આપી છે. રાજ્યના નાગરિકો વન પ્રત્યે આકર્ષાય, તેના જતન માટે જાગૃતિ આવે અને પ્રવાસનની દ્રષ્ટિએ પણ તેનો વિકાસ થાય તેવા આશયથી સ્થાનિક મહત્વ તથા આસ્થાને ધ્યાને રાખીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં વન ઉભા કરાયા છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પાલ દઢવાવમાં રાજ્યનું 17મું એવું “વીરાજંલી વન” બનાવવામાં આવ્યું છે. અપાર કૂદરતી સૌદર્ય અને વનરાજી વચ્ચે વન સૌદર્યને વધુ નિખારતા “વીરાજંલી વન”ને રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી 16મી જુલાઈએ ખુલ્લુ મુકશે.

આ અંગેની વિગતો આપતા સામાજિ વનીકરણના નાયબ વન સંરક્ષક જી.એ.બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે, પાલ ગામના ગોચરમાં 4.6 હેકટર તથા પાસેની હાથમતી નદી કિનારાની 1.2 હેક્ટર મળી કુલ 5.8 હેક્ટરમાં આ વન ઉભુ કરવામાં આવ્યું છે. આ “વીરાજંલી વન”માં 4000 રોપા, 74000 નાના છોડ, 18૦૦ હેઝ ફાયકરા, 12૦૦ ડેકોરેટીવ પ્લાન્ટ સહિત 103700 વૃક્ષ છોડ તથા નદી તરફના 1.2 હેક્ટર વિસ્તારમાં 1600 વન રોપા તથા 6000 અન્ય રોપા મળી 7600 રોપાનું વાવેતર કરાયું છે. આમ,  કુલ 5.8 હેક્ટરમાં 1.08 લાખ રોપા-વૃક્ષ છોડનું વાવેતર કરાયું છે.

Rukhdo Tree

આ “વીરાજંલી વન”ના પ્રવેશ દ્વાર નજીક બહારની બાજુએ 225 વર્ષથી વધુ ઉંમરનું “રૂખડો” વૃક્ષ અહીંની વિરાસતની સાક્ષી પૂરે છે. આ વૃક્ષ રાજ્યના 50  હેરીટેઝ વૃક્ષ પૈકીનું એક છે. જ્યારે “વીરાજંલી વન”ની અંદર નિસર્ગ દર્શન માટે કડાયા- તરૂ સૂંદરી વૃક્ષની આસપાસ લોખંડની રેલીંગ મુકીને વ્યવસ્થા કરાઈ છે. પ્રવેશ દ્વારે જ પાલની ઓળખ સમો રજવાડી દરવાજો બનાવાયો છે જ્યારે અંદર પ્રકૃતિ પૂજન પાળીયો તથા ભીલ ક્રાંતિના પ્રણેતા મોતીલાલ તેજાવતનું વિશાળ કદનું સ્ટેચ્યુ અહીંની સાંસ્કૃતિક અને ખમીરવંતી ગરિમાનું પ્રતિક છે. જ્યારે પાલના હત્યાકાંડના વિવિધ ભીંત શિલ્પ (મ્યુરલ) આબેહૂબ અને દર્શનીય છે. આ ઉપરાંત ઝુલતો વન સેતુ, વોટર બર્ડ્ઝ સાથેના ફૂવારા, વાંસની કમાન, રાજ્ય પ્રાણી સિંહનું સ્ટેચ્યુ, પ્રકૃતિ દર્શન સમી મશાલ, ક્રાંતિ સ્તંભ, બાલ ક્રિડાંગણ, ઔષધવન, અંબર મંચ (એમ્પી થિયેટર), વન ચબૂતરો વગેરે પ્રવાસીઓને આકર્ષવાનું સામર્થ્ય ધરાવે છે.

viranjali van 2

આ ઉપરાંત અહીં રાશીવન, નક્ષત્ર વન, નવગ્રહ વન, દેવ વન, જૈવિક વન, આજિવિકા વન, સ્મ્રુતિ વન, વાંસનું વાવેતર, ઔષધ નર્સરી, આકર્ષક બગીચો પ્રકૃતિ પ્રેમીઓ માટે મુલાકાતનું આકર્ષણ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં વીરગતિ પામેલા 1200 રાષ્ટ્ર ભક્ત વનવાસીઓની સ્મ્રુતિમાં તતકાલિન મુખ્ય મંત્રી અને હાલના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉભુ કરેલ “શહીદ સ્મ્રુતિ વન” આજે પણ રાષ્ટ્રભક્તિની ઉર્જાનું પ્રેરક બનીને ઉભુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી પુનિત વન-ગાંધીનગર, હરિહર વન-ગીરસોમનાથ, માંગલ્ય વન-બનાસકાંઠા, ભક્તિ વન-સુરેન્દ્રનગર, તીર્થંકર વન-મહેસાણા, શ્યામલ વન-અરવલ્લી, ગોવિંદ વન-મહીસાગર, પાવક વન- ભાવનગર, નાગેશ વન-દેવભૂમિ દ્વારકા, વિરાસત વન-પંચમહાલ, શક્તિ વન- રાજકોટ, જાનકી વન- નવસારી, આમ્ર વન- વલસાડ, એકતા વન-સુરત, શહીદ વન-જામનગર તથા મહીસાગર વન- આણંદ એમ 16 વન બનાવાયા છે. વિજયનગર ખાતે બનેલું આ “વીરાજંલી વન” રાજ્યનું 17મું વન છે. આ વન પ્રકૃતિ પ્રેમીઓ, વન વિહાર કરનારાઓ, મુલાકાતીઓ-પ્રવાસીઓ માટે અનન્ય વિરાસત પુરવાર થશે.

viranjali van 3

error: Content is protected !!