વેકૈયા Vs ગોપાલકૃષ્ણ: 5 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, મતોનું ગણિત

નવી દિલ્હી, દેશગુજરાત: 5 ઓગસ્ટ ને શનિવારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની મતદાનની પ્રક્રિયા યોજાશે. શનિવારે જ ચૂંટણીનું પરિણામ પણ આવી જશે. નોંધનીય છે કે, ઉપરાષ્ટ્રપતિ સંસદના ઉપલા સદન રાજ્યસભાના સભાપતિ પણ હોય છે. ભારતના 15મી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે એનડીએ તરફથી વેકૈયા નાયડુ અને વિપક્ષે પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ અને મહાત્મા ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણને મેદાને ઉતાર્યા છે.

ચૂંટણીનો કાર્યક્રમ

5 ઓગસ્ટ શનિવારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન યોજાશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ગુપ્ત મતદાન (સિક્રેટ બેલેટ) દ્વારા યોજાય છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો મત આપે છે. પોતાની પસંદ પર ટીક કરવા માટે સંસદ સભ્ય ખાસ પ્રકારની પેનનો ઉપયોગ કરે છે. અન્ય કોઈ પેનથી આપવામાં આવેલા મતને નકારવામાં આવે છે. બેલેટ પેપેરમાં ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારના નામ હોય છે. પરંતુ તેમાં કોઈપણ પ્રકારનું ચૂંટણી ચિન્હ હોતું નથી.

મતોનું સમીકરણ

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સભ્યો જ મત આપી શકે છે. એનડીએની જીતમાં કોઈ મુશ્કેલી દેખાઈ રહી નથી. લોકસભા અને રાજ્યસભાના સભ્યો મળીને કુલ સંખ્યા 790ની છે. હવે રાજ્યસભામાં ભાજપના સૌથી વધારે 58 સાંસદ છે. દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના 57 સાંસદ છે. ભાજપના વડપણ હેઠળના એનડીએ પાસે લોકસભામાં 340 અને રાજ્યસભામાં 85 મળી કુલ 425 સાંસદ છે. ગત ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં હામીદ અન્સારીને વિપક્ષના ઉમેદવાર જસવંતસિંહને મુકાબલે 490 મત મળ્યા હતા. જસવંતસિંહને 238 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એસ.રાધાકૃષ્ણન (1952 અને 1957), મોહમ્મદ હિદાયતુલ્લાહ (1979) અને શંકર દયાલ શર્મા (1987) ઉપરાષ્ટ્રપતિ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.

જેડીયુના મત

ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ગોપાલકૃષ્ણના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે નીતીશ કુમાર મહાગઠબંધનની સાથે હતા. પરંતુ હવે તે ભાજપની સાથે છે. જોકે, પહેલા કરવામાં આવેલી જાહેરાત મુજબ તેની પાર્ટી (જેડીયુ)ના સાંસદ ગોપાલકૃષ્ણ માટે જ મત આપશે. જેડીયુના લોકસભામાં 2 સાંસદ અને રાજ્યસભામાં 10 સાંસદ સભ્યો છે.

error: Content is protected !!