કાપડ ઉદ્યોગ માટેના GSTને સરળ કરીશું, અરુણ જેટલીએ ગુજરાતના સાંસદોને કહ્યું

સુરત, દેશગુજરાત: સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગ જેની ઉપર મીટ માંડીને બેઠી છે એ GST કાઉન્સિલની બેઠક પેહલા શુક્રવારે સાંસદ સી.આર.પાટીલ અને દર્શનાબેન જરદોશ કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલી અને રેવન્યુ સેક્રટરી હસમુખ અઢિયા ને મળ્યા હતા અને સુરતના કાપડ વેપારીઓની વિવિધ માંગ અંગે રજૂઆત કરી હતી.

સાંસદોની રજૂઆતની પ્રતિક્રિયામાં અરુણ જેટલીએ કહ્યું હતું કે, કાપડ ઉદ્યોગ ઉપરના GSTના સરળીકરણ માટે અમે કંઇક ને કંઇક કરીશું. ચીનના આયાતી માલ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટીમાં વધારો કરવાનું પણ વિચારણા હેઠળ છે. GST લાગુ થયો છે એ પછી વિવિધ સ્તરે અમને મળેલા સૂચનો અને રજૂઆત પછી અમે ૬૬ વસ્તુઓ ઉપરના ટેક્ષ માળખામાં ફેરફાર કર્યો જ છે. એવું નથી કે અમે બદલાવ નહિ જ કરીએ, કાપડ ઉદ્યોગ અંગેની માંગ પણ વિચારણા હેઠળ છે. વેપાર અને ઉદ્યોગને પ્રોત્સાહન માટે જે પગલા લેવાની જરૂર છે એ પગલા અમે લઇ રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ લઈશું.

આ સાથેજ અરુણ જેટલી સમક્ષ બંને સાંસદોએ રજૂઆત કરતા કહ્યું હતું કે, યાર્નથી લઈને વિવિંગ સુધીનું કામ કરતા કમ્પોઝીટ યુનિટ ની સરખામણીમાં જોબ વર્ક કરતા વિવર્સ દ્વારા બનાવાતા કાપડની પડતર કીમત વધુ આવે છે આવા સમયે વિવર્સ ઉપરના GST અંગે પુનર્વિચાર કરવો જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ એ પણ કાપડ વેપારીઓની સમસ્યા અંગે નાણા મંત્રાલયનું ધ્યાન દોર્યું છે. બંને સાંસદોને નાણામંત્રીએ સહકાર અને સહયોગની ખાતરી આપી હતી.

નાણામંત્રીની મુલાકાત બાદ સાંસદ સી.આર.પાટીલ અને દર્શનાબેન જરદોશ રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાને પણ મળીને રજૂઆત કરી હતી. હસમુખ અઢિયાએ બંને સાંસદોને ખાતરી આપતા જણાવ્યું હતું કે, ઇ-વે બીલ અંગે જે મુશ્કેલી છે એનું નિરાકરણ કરીને સમગ્ર દેશમાં એકસરખું માળખું કરવાની પ્રક્રિયા પણ શરુ થઇ છે. સાથેજ એમણે ડ્રેસ મટીરીયલ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જે ડ્રેસ મટીરીયલ સિલાઈ કર્યા વિનાના છે એ તમામ ઉપર 5% ડ્યુટી લાગશે. ડ્રેસ સિલાઈ કરી હશે તો એની ઉપર ૧૨% ડ્યુટી લાગશે.

બંને સાંસદોએ કરેલી બંને મુલાકાત એકદમ હકારાત્મક રહી હોવાનું અને આગામી દિવસમાં કાપડ ઉદ્યોગના પ્રશ્નોના નિરાકરણ અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

 

error: Content is protected !!