જેને જે કરવું હોય તે કરે, હું 2019માં જોઇ લઇશ : નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, દેશગુજરાત:  ભાજપ સંસદીય દળની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને ખખડાવ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે હવે અધ્યક્ષ (અમિત શાહ) રાજ્યસભામાં આવી ગયા છે એટલે હવે તમારા મોજ – મસ્તીના દિવસો પુરા થઇ ગયા. તમે લોકો તમારા મનમાં સમજો છો શું? તમે કાંઇ પણ નથી, હું પણ કાંઇ નથી, જે છે તે ભાજપ એક પક્ષ છે.

મોદીએ વધુમાં કહ્યું કે, આ ૩ લાઇનનો વ્હિપ શું છેે. વારંવાર વ્હિપ કેમ આપવો પડે અને હાજરી માટે કેમ કહેવું પડે છે. જેને જે કરવું હોય તે કરે હું 2019માં જોઇ લઇશ. ઉલ્લેખનીય છે કે, ભાજપની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત ભાજપના તમામ સાંસદોએ ભાગ લીધો. બેઠકમાં નરેન્દ્ર મોદીએ નવા ચૂંટાયેલા સાંસદ અમિત શાહને લાડવો ખવડાવીને સ્વાગત કર્યું હતું.

બેઠક દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાજ્યસભાની ચૂંટણીમાં હારેલા ભાજપના ઉમેદવાર બળવંત સિંહ રાજપૂતને મળેલા મતો અંગે તેમજ ચૂંટણી પંચના પૂર્વગ્રહયુક્ત નિર્ણયને કોર્ટમાં પડકારવાનો સંકેત આપ્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે, ખબર નહિ કાલે કોઇ કોર્ટમાં જશે.  ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, તેઓ ચુંટણીપંચના નિર્ણયથી ખુશ નથી અને કોર્ટ જશે. આ સાથે જ હવે અમિત શાહ એહમદ પટેલવાળા મુદ્દે કોર્ટ જવાની વાત કરી રહ્યા છે.

બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એકવાર સંસદમાં સાંસદોની ઉપસ્થિતિનાં મુદ્દાને લઈને કહ્યું કે, સંસદમાં સાંસદોને નિયમિતપણે ઉપસ્થિત રહેવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યસભા ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમિત શાહની આ પ્રથમ સંસદીય દળની બેઠક હતી તેમજ મોન્સુન સત્ર સમાપ્ત થયા પહેલાની આ અંતિમ બેઠક હતી.

 

error: Content is protected !!