મિડિયા વોચઃ જ્યારે અમદાવાદમાં ગુજરાતી સમાચાર ચેનલના ટીવી સ્ટુડિયોમાં આવ્યું વાછરડું

અમદાવાદ, દેશગુજરાતઃ કેરળમાં કોંગ્રેસીઓએ મોદી સરકાર સામે વિરોધ પ્રગટ કરવા કન્નૂર ખાતે સરાજાહેર વાછરડાની કતલ કરી પછી ગુજરાતમાં આ મુદ્દો ઉંચકાયો છે. આવામાં વિવિધ ગુજરાતી સમાચાર ચેનલો પર ચાલતી ચર્ચાઓ વચ્ચે સંદેશ ટીવીએ કંઇક નવું કર્યું. સંદેશ ટીવીની ટીમે સ્ટુડિયોમાં વાછરડું બોલાવ્યું.

અસલ ગીર નસલનું આ વાછરડું સ્ટુડિયોમાં આવ્યું તેના પાલક વિજયભાઇ પરસાણા સાથે.સંદેશ અખબાર અને ટીવી એક જ બિલ્ડિંગમાં કાર્યરત છે જે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલું છે. વિજયભાઇ તેમની પજેરો કારમાં પાછળના ભાગમાં વાછરડાને પાછળના ભાગમાં બેસાડીને સંદેશના કેમ્પસમાં આવ્યા ત્યારથી જ સંદેશ ટીવીના કેમેરાએ વાછરડાનો વિડિયો ઉતારવાનું શરું કર્યું. સંદેશના બિલ્ડીંગમાં ટીવી સ્ટડુયો બીજા માળે આવેલો છે. વાછરડું લીફટમાં ઉપર ચડયું અને સરક્યુલેશન વિભાગના ટેબલો વચ્ચેથી થતું થતું ઠેકડો મારીને સ્ટુડિયોમાં ઘૂસ્યું. વિજયભાઇ પરસાણાનો વાછરડા સાથે સ્ટેન્ડીંગ પોઝીશનમાં જ ઇન્ટર્વ્યૂ થયો.

વિજયભાઇ અમદાવાદમાં પરસાણા જીમની ચેઇન ચલાવે છે. તેમણે કેટલાક સમય પહેલા પૂનમ નામની તેમની ગીર નસલની ગાયના સૌરાષ્ટ્રમાં વાજતે ગાજતે જઇને લગ્ન કરાવ્યા હતા તે વાત સમાચાર માધ્યમોમાં ખૂબ ચગી હતી. વિજયભાઇએ ટીવી સ્ટુડિયોમાં ગાયને કેળા ખવડાવ્યા. તેમણે કહ્યું કે આ વાછરડું તેમને એટલું વહાલું છે કે તેને દેશી વિદેશી ફળો ખવડાવે છે. વાછરડાના પગમાં ચાંદીની ઝાંઝરી બાંધવામાં આવી હતી તો ગળામાં ચાંદીની ઘંટડી.

વિજયભાઇએ કહ્યું કે તેઓ વાછરડાની પીઠ પર વિશેષ રીતે હાથ ફેરવે એટલે વાછરડું ગૌમૂત્ર આપે છે. પોતે ગૌમૂત્રની ધાર સીધી જ પોતાના મોઢામાં લઇને પી જાય છે. તેમણે કહ્યું કે પોતના કારમાં તેઓ વાછરડું લઇને નીકળે એટલે લોકોને કૌતુક થાય છે અને લોકો ફોટા પણ પડાવે છે. પોતે આ વાછરડાને જીમમાં અને અન્ય ઠેકાણે લઇ જાય છે અને ફેરવે છે.

જોનારાઓને ટીવી પર આ નવીન પ્રયોગ જોવાની મોજ પડી.

error: Content is protected !!