અટલજીની અસ્થિનું ઉત્તર પ્રદેશની દરેક નદીઓમાં કરાશે વિસર્જન, મુખ્યમંત્રી આદિત્યનાથે કરી જાહેરાત

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 16 ઓગસ્ટની સાંજે 5.05 વાગે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. જે બાદ આજે સાંજે 5:00 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે, અટલજીની અસ્થિઓને દરેક ઉત્તરપ્રદેશના દરેક જિલ્લાની પવિત્ર નદીઓમાં પ્રવાહીત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશને વાજપેયીની કર્મભૂમિ કહેવામાં આવે છે. તેઓ લખનઉથી સાંસદ રહ્યાં અને યૂપીમાં બીજેપીને સત્તાના શિખર સુધી પહોંચાડવામાં વાજપેયીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વાજપેયીના સન્માનમાં ઉત્તર પ્રદેશમાં પણ તમામ સરકારી કાર્યાલય, શાળા-કોલેજોને બંધ રાખવામાં આવ્યા હતા.

વાજપેયીના નિધન પછી તેમના પાર્થિવ શરીરને દિલ્હીના 6 કૃષ્ણા મેનન માર્ગ સ્થિત તેમના સરકારી આવાસ પર રાખવામાં આવ્યો હતો. જે બાદ ભાજપ મુખ્યમથક પર અંતિમ દર્શન માટે મૃતદેહ રાખવામાં આવ્યો હતો. ત્યાંથી સ્મૃતિ સ્થળ પર લઇ ગયા બાદ અટલજીના નશ્વર દેહને સેનાની ત્રણેય પાંખ દ્વારા સલામી આપવામાં આવી હતી. આ સાથે જ મોટા રાજકીય નેતાઓએ તેમના દર્શન કરી ફૂલ અર્પણ કર્યા હતા. અટલજીની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં સામાન્ય લોકો જોડાયા હતા તેમજ દેશભરમાંથી રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા.

error: Content is protected !!